મામા નું ઘર
*મામાનું ઘર* *********** મામાનું ઘર એટલે મમ્મીના વ્હાલનું એક્સ્ટેન્શન, જ્યાં દર વેકેશનમાં વ્હાલનો મેળો ભરાય. જ્યાં દર ઉનાળે મોટી બેગ ભરીને વેકેશન માળો બાંધવા આવે. જ્યાં સુખથી શરૂ થયેલી વાતો સુખડીએ આવીને અટકે. આ દુનિયા પરનું એક માત્ર એવું ઘર જે લાઈટથી નહિ, દીવાઓથી ઓળખાય. ગુગલ મેપ પર સર્ચ કરતા હોઈએ ત્યારે જે જગ્યાએ દીવો બળતો દેખાય, એ મામાનું ઘર. પરીક્ષા અને નિશાળમાં ખોવાઈ ગયેલી જાતને, ફરી પાછી અકબંધ મેળવવાનું સરનામું એટલે મામાનું ઘર. મામાના ઘરના બાથરૂમમાં દરિયાઓ ઉમટે. જ્યાં ક્યારેય પાણીની તંગી ન હોય. ન તો નળમાં, ન તો આભમાં. ૨૪ કલ્લાક વ્હાલનો વરસાદ આપણને સતત ભીંજવતો રહે. જ્યાં ઘોડો બનીને મામા આપણને પીઠ ઉપર બેસાડે, જ્યાં મોટું પેટ લઈને મામા આપણી સાથે દરિયા કિનારે દોડે. મામા આપણી સાથે એ રીતે દોડતા જાણે આપણને ખુશ રાખવાની હરિફાઈમાં મમ્મીને પાછળ રાખી દેવાના હોય. જ્યાં સુખ કહ્યાગરું હોય, એ ઘર એટલે મામાનું ઘર. મામાના ઘરનું રસોડું આપણું કહ્યું બહુ માને. જાણે રસોડાની દીવાલોમાં ઇંટોની સાથે આપણી જીભ પર ચણાયેલી હોય, એમ આપણને શું ભાવશે એની રસોડાને બધી જ ખબર હોય. આપણન...